સુરત : માસ્ક સિવાયના દંડ માંથી મુક્તિ આપવા કુમાર કાનાણીએ ડીસીપીને પત્ર લખ્યો તો યુઝર્સે આડે હાથ લીધા…
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દંડના નામે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ માનવતાના ધોરણે બંધ કરવા રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ ઉપરાંત આ રીતે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ નહીં કરવામાં આવે તો જાતે રસ્તા પર ઉતરી વિરોધ કરવા અંગેની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
આ મામલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવા સુધીની તૈયારી બતાવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી બેફામ દંડના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકોને પોલીસ તરફથી ભારે હેરાનગતિ કરવામાં આવી રહી છે.
આ બાબત રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ધ્યાને આવતા તેઓએ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપીને પત્ર લખી તાત્કાલિક ધોરણે વાહન ચાલકો પાસેથી ચલાવવામાં આવતી લૂંટ બંધ કરવા રજુઆત કરી છે.
તેમણે ડીસીપીને પત્ર લગતા કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ધંધા-રોજગાર પડી ભાંગવાના કારણે લોકો પહેલાથી પડી ભાંગ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિકના દંડના નામે કરવામાં આવતી હેરાનગતિથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોજ ટ્રાફિક પોલીસના ટોળા રસ્તા પર દંડ ઉઘરાવવા માટે ઉતરી પડે છે. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે કે પછી દંડ ભરે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
કુમાર કાનાણીનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સે તેમને આડે હાથ લીધા હતા. ઘણા બધા ટ્રોલર્સે લખ્યું કે, આ તો જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા છે, એટલે લોકોની તકલીફો યાદ આવી છે. તો એકે કુમાર કાનાણીને કાકાના હુલામણા નામથી બોલાવતા લખ્યું કે, કાકા કઈ બાજુ ઉગ્યા આજે? કાકાને ચૂંટણી ટાણે જ આ બધું કેમ યાદ આવે છે.
એક યુઝર્સે તો લખ્યું કે, ટ્રાફિક જવાનોને ટ્રાફિક થતી રોકવા કરતા ઊઘરાણી કરવામાં વધુ રસ છે. સરકારે આપેલો ટાર્ગેટ પૂરો કરવા માટે ટ્રાફિક જવાનો ઉઘરાણી ન કરે તો શું કરે? યુઝર્સે આવી અનેક કમેન્ટો લખીને કુમાર કાનાણીને સોશિયલ મીડિયા ઉપર ઘેરાયા હતા.