મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા આ કદાવર નેતાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખીને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો હતો. પરંતુ હવે મને લાગે છે કે લોકોની સેવા કરવા માટે રાજનીતિની જરુર નથી. જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું છે કે બીજેપી જ તેમની પાર્ટી છે.

બાબુલ સુપ્રિયો આસનસોલથી બીજેપીના સાંસદ છે. હાલમાં જ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં થયેલા ફેરબદલમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. રાજનીતિ માંથી નિવૃત્તિ અંગેની જાહેરાત કરતા તેમણે લખ્યું છે કે ‘હું અન્ય કોઇ પાર્ટીમાં જઇ રહ્યો નથી અને ન તો કોઈ પક્ષે તેને બોલાવ્યો છે. હું માત્ર એક જ ટીમનો ખેલાડી છું અને હંમેશા મેં એક જ ટીમને ટેકો આપ્યો છે.

બાબુલ સુપ્રિયોએ પોતાના રાજીનામામાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને લોકોએ મને પ્રેરિત કર્યો છે. હું તેમના પ્રેમને ક્યારેય ભૂલીશ નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, 2014 અને 2019 વચ્ચે ઘણું મોટું અંતર આવી ચૂક્યું છે. વર્ષ 2014માં હું બીજેપીની ટિકિટથી એકલો લડ્યો હતો. પણ બંગાળમાં આજે બીજેપી મુખ્ય વિપક્ષી પાર્ટી છે.

આજે ભારતીય જનતા પાર્ટીમાં નવા ચમકીલા યુવા નેતા આવી ગયા છે. પાર્ટીમાં તેટલા જ યુવા નેતા છે જેટલા જૂના છે. કહેવાની જરૂર નથી કે યુવા નેતાઓ પાર્ટી સાથે એક લાંબી સફર તય કરશે.

સુપ્રિયો બંગાળની આસનસોલ બેઠકના ભાજપના સાંસદ છે. તેઓ મોદી સરકારમાં રાજ્યમંત્રી હતા પણ હાલમાં થયેલ કેબિનેટ વિસ્તરણમાં તેમને સ્થાન ન મળતાં તેઓ નારાજ થયા હતા. તેમના રાજકારણ છોડવા પાછળ આ પણ એક કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *