સુરત : ભાજપના વધુ એક સક્રિય આગેવાન 200 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા…

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં કદાવર ભાજપ આગેવાન તેવા ભીખાભાઈ લખાણીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.

સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપનો ખેસ પહેર્યો છે. પૂર્વ વોર્ડ નં. 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે આપમાં જોડાયા છે.

નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીની વાડી આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપના આ કાર્યક્રમમાં ગુજરાત નેતા મહેશભાઈ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા હાજર રહ્યા હતા.

મહેશ સવાણીની આગેવાની હેઠળ ભીખાભાઈ લાખાણી તેમના 200 કરતાં વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે આનંદીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની શોપની મુલાકાત લેતા એવા ભાજપના ઘનિષ્ઠ કાર્યકર્તા-વેપારી તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આપમાં જોડાયા હતા.

આપ નેતા મહેશ સવાણીના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં આપ નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ લોકો આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. પ્રામાણિકતાથી માત્ર પ્રજાના સેવાના લક્ષ્ય સાથે ઉતરેલી પાર્ટીને હવે આમ આદમી સમજી રહ્યું છે અને તેને કારણે ગુજરાતમાં સત્તા પરિવર્તન તરફ જઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને વિકાસના કામો કર્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ હવે એ જ મોડેલના આધારે આગળ કામ કરીશું. ભીખાભાઈ લાખાણી અને તેમના સમર્થકોનો અમે સહર્ષ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *