પાટીદારો મુદ્દે મનસુખ માંડવિયા અને નરેશ પટેલ આમને સામને…
ભાજપે શરૂ કરલી જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. એરપોર્ટથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગ અને ચોકમાં તેમનું સ્વાગત કરાયું હતું. બાદમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં કાર્યકર્તા સંમેલન તેમજ પાટીદાર સંમેલનનું આયોજન કરાયું હતું.
પાટીદારોને સંબોધતી વખતે મંત્રી મનસુખ માંડવિયાએ સ્વ.કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા અને તેમને પદ્મશ્રીનું સન્માન અપાયું તે પણ કહ્યું હતું. કેશુભાઈને યાદ કર્યા બાદ તેમણે તુરંત જ પાટીદાર અને ભાજપ વચ્ચેનો સંબંધ બતાવતા કહ્યું હતું કે, પાટીદાર અને ભાજપને નાડી અને નાભિ જેવો સંબંધ છે. પાટીદાર એટલે ભાજપ, પાટીદારને ભાજપ જ ગણાવીને મનસુખ માંડવિયાએ આ મુદ્દાને વધુ વેગ આપ્યો હતો. તેઓ ખોડલધામ જવાના હતા જ્યાં રાજકીય કાર્યક્રમો ૫૨ પ્રતિબંધ છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે મતગણતરી થાય અને પાટીદાર વિસ્તાર આવે એટલે ભાજપના દરેક કાર્યકરને ખાતરી હોય કે હવે આગળ નીકળી જઇશું. તમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક સમાજને આગળ લઈને ચાલે છે.
મનસુખ માંડવિયાએ આ પ્રકારનું નિવેદન અપાતા પાટીદાર અગ્રણી નરેશ પટેલને પ્રશ્ન કરાયો હતો કે માંડવિયાએ પાટીદાર એટલે ભાજપ કહ્યું છે તો તે સાચું? તો જવાબમાં નરેશ પટેલે કહ્યું કે, મનસુખભાઈનો આ અંગત વિચાર હોઇ શકે, હું પહેલેથી કહેતો આવું છું કે પાટીદાર બહોળો સમાજ છે, પાટીદારોની અંદર વિભાજન હોઇ શકે. ઘણાં લોકો ભાજપમાં હોય પણ ઘણા લોકો આપમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે એટલે મનસુખભાઈ ભાજપમાં છે એટલે આ તેમનો વિચાર હોઇ શકે.
ખોડલધામના પટાંગણમાંથી હું એટલું જ કહીશ કે દરેક સમાજના દરેક પક્ષમાં વહેંચાયા હોય તો તેના સ્થાને કામ કરે છે. ખોડલધામમાં રાજકીય કાર્યક્રમનો પ્રતિબંધ હોય છે પણ લેઉવા પટેલ સમાજના દીકરા કેબિનેટ મંત્રી થઈને આવતા હોય તો ખોડલધામ હંમેશા તેને આવકારે છે.
નરેશ પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઇએ તેવી માંગ કરનારાં લેઉવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થળ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે આ મુદ્દે હવે જુદો જ રૂખ અપનાવ્યો છે. તેમણે કહ્યું કે પાટીદાર મુખ્યમંત્રી અંગેની વાત સમય આવ્યે થશે.