વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનો મેયરને પત્ર, આપના કયા કોર્પોરેટરે માઈક તોડ્યુ, પુરાવો આપો…
તાજેતરમાં સુરત મહાનગર પાલિકામાં મળેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સભામાં માઇક તોડવાનો આરોપ લગાવ્યો હતો. સામાન્ય સભામાં માઇક તોડવાના આરોપોને પગલે રાજકારણ ગરમાયું છે. આ સંદર્ભ પાલિકામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આ આરોપ સામે જરૂરી સચોટ માહિતી પુરાવા સાથે રજુ કરવા મેયરને પત્ર લખ્યો છે.
વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, આ દિવસે કોણે અને કઈ ડેસ્કના માઈક તોડીયા એના જરૂરી ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફીના પુરાવા પાડવા મેયરને પત્ર લખી રજૂઆત કરી છે. તેમજ ક્યા નગરસેવક દ્વારા ક્યાં પ્રકારની ભૂલ થઈ છે. તેની માહિતી પણ માંગી છે.
મેયર દ્વારા પક્ષાપક્ષીની માનસિકતા રાખી નબળાઈ છુપાવવા વિરોધપક્ષના સભ્યોનો દુષ્પ્રચાર કરવામાં આવ્યો હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં તેમણે કહ્યું કે, પદાધિકારીઓ દ્વારા પાર્કિંગ કૌભાંડ કરી પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડયું છે. જેથી મેયર પદની ગરિમા જળવાઇ રહી હોય એમ જણાતું નથી.
ઉલ્લેખનીય છે કે, 28મીએ આપની પહેલી સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ઉત્રાણની મનપાની શાળામાં વર્ગ વધારોનો સુધારો ઉડી જતાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. એક સભ્યને સસ્પેન્ડ કરી દેતા વિપક્ષના તમામ સભ્યોએ વોકઆઉટ કરી લીધું હતું.
તમને જણાવી દઈએ કે, આપની પહેલી સામાન્ય સભા દરમિયાન માઈક તૂટવાની ઘટના સામે આવી હતી. જેનો આરોપ મેયરે આપના કોર્પોરેટર પર નાખ્યો હતો. જેને લઇને આપના નેતા ધર્મેશ ભંડેરીએ મૈયરને પત્ર લખ્યો છે અને આ ઘટનાને લઇ સચોટ પુરાવા માગ્યા છે.
સુરતમાં આપની જીત બાદ આ પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં માઈક તૂટવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ મેયરે આપના કોર્પોરેટર પર આરોપ મૂક્યો હતો કે તેણે માઇકમાં પાણી રેડીને માઇકને તોડી નાખ્યું હતું. જે બાદ ધર્મેશ ભંડેરીએ મેયરને પત્ર લખી સચોટ પુરાવા માગ્યા છે.