PM મોદીના જન્મ દિવસ પહેલા આ મોટું કામ પૂર્ણ કરવા માટે સી.આર.પાટીલે કર્યો આદેશ…

ગુજરાત ભાજપ-પ્રમુખ પાટીલે પક્ષની પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને ફેલાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ વધુ બેઠકો મેળવવા પાટીલે પેજ-પ્રમુખ ફોર્મ્યુલા ધારાસભ્યો સુધી પહોંચાડી પેજ-પ્રમુખ અને પેજ સમિતિ બનાવવાના આદેશો કર્યા હતા.

આ ઉપરાંત ભાજપની બેઠકમાં પણ પાટીલે આ ફોર્મ્યુલાની ચર્ચા કરી એને આગળ વધારવા કેટલાંક સૂચનો અને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ભાજપના તમામ હોદ્દેદારોને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પૂર્વે બાકી રહેલી પેજ સમિતિઓ પૂર્ણ કરવા અને બૂથ-પ્રમુખો દ્વારા પેજ સમિતિઓના વ્હોટ્સએપ ગ્રુપ રચી એને એક્ટિવ કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળ નીવડેલી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા આગામી વિધાનસભાની ચૂંટણીમાં અપનાવી જીત મેળવવાનો સીઆર પાટીલનો આ સૌથી મોટો ચૂંટણીદાવ હશે. એને લઈને ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પક્ષના તમામ આગેવાનોને પેજ સમિતિ પર વધારે ભાર મૂકવાની સૂચના આપી હતી, જેના ભાગ રૂપે હાલ ગુજરાતભરમાં ભાજપમાં 80 ટકા પેજ સમિતિનું કામ થયું છે.

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સેપ્ટમ્બર સુધી પેજ સમિતિનું કામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમ પાટીલની પ્રદેશ આગેવાનોની બેઠકમાં પણ સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત પાછળ પણ પાટીલની પેજ-પ્રમુખથી માંડીને પેજ સમિતિ સુધીની ફોર્મ્યુલા જ કારગત નીવડી હોવાની ચર્ચા થઈ હતી અને પ્રમુખ પાટીલ દ્વારા પણ પેજ સમિતિ સુધીની સંગઠનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા પ્રદેશના નેતાઓ પણ કામે લાગી જાય એવું નક્કી કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે ભાજપના ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની હોવાથી પેજ પ્રમુખની ફોર્મ્યુલા પર પ્રદેશ પ્રમુખ આગળ વધી રહ્યા છે, જેઓ મતદારોને બૂથ પર લઇ જઇને કાર્યકરો ભાજપની તરફેણમાં મતદાન કરાવશે.

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે પેજ- પ્રમુખ અને પેજ સમિતિઓનો દાવો ખેલ્યો હતો. પ્રદેશ-પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિને કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ-પ્રમુખ અને પેજ સમિતિનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળી હતી.

જેથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ-પ્રમુખની ગણતરી નેતાઓની બેઠકો, પ્રચાર સભાઓ કરતાં પેજ- પ્રમુખો પર વધુ ધ્યાન આપી ગ્રાસ રૂટ લેવલનું નેટવર્ક તૈયાર કરવાની છે.

ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી, જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે. એ મતદારયાદીના એક-એક પેજ-પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો હોય છે.

મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *