AAPને મોટો ઝટકો, અહીં 400 કરતા વધુ આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા…

સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અન્ય પાર્ટીના નેતાઓ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યોથી પ્રભાવિત થઈ અનેક લોકો આપ સાથે જોડાઈ રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી સુરતને એક મોટો ઝટકો લાગ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં નિરંજન ઝાંઝમેરા, યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં AAPના કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

ભાજપના યુવા અધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કોરાટનો સુરતમાં આ મોટો કાર્યક્રમ કહી શકાય. વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ ભાજપે પોતાના પ્રયાસો શરૂ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના ઉપપ્રમુખ શૈલેશ ગજેરા અને તેમના કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

શૈલેશ ગજેરા કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષના હસ્તે 400 જેટલા AAPના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ હતો. પાર્ટીમાં મેં મારા કાર્યકર્તાઓ સાથે ખૂબ સારું કામ કર્યું છે. પાર્ટી જીત્યા પછી અમે ઘણા કામ લઇને ગયા પણ અમારા કોઈ પણ કામ થયા નથી. છેલ્લી અમને લોકોને કાર્યકર્તા ગ્રુપમાંથી પણ કાઢવામાં આવ્યા.

પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી બિલાડીના ટોપ જેવી પાર્ટી છે. વરસાદની ઋતુ હોય તેમાં બિલાડીના ટોપના નવા અંકુર ફૂટતા હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે તેને થોડી સીટ મળી. પછી લોકોને ખબર પડી કે આમ આદમી પાર્ટી ઢોંગી પાર્ટી છે. ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રેરાઈને સુરતના યુવાનો ભાજપમાં જોડાયા છે.

નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઈચ્છા બતાવી કે અમારે રાષ્ટ્રવાદિ પાર્ટીમાં જોડાવું છે. એટલે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે ઘણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા કાર્યાલય ખાતે આવીને ભાજપમાં જોડાયા છે. હું બધાને આવકારૂ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *