કમલમમાં AAPનો જબરદસ્ત વિરોધ, લાઠીચાર્જમાં અનેક ઘાયલ, જાણો શું છે સમગ્ર મામલો…
રાજ્યમાં 12 ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ત્રણ દિવસ પહેલાં જ લીક થઈને અનેક લોકો સુધી પહોંચ્યુ હતું. આ ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું છે. આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગના કાર્યકરો દ્વારા કોબા સ્થિત ભાજપના કમલમ કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
પેપર લીક કાર્ડ વિરોધ પ્રદર્શનમાં ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ અને મનોજ સોરઠીયા પણ હાજર હતા. યુથ વિંગમાંથી નિખિલ સવાણી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ બધા કાર્યકરો ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને પેપર લીક કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા માટે આવ્યા હતા. તેઓ પોતાની માંગ સાથે કમલમ ખાતે વિરોધ કરી રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં પેપર કાર્ડ મુદ્દે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત જેમની સંડોવણી છે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અને અટકી પડેલી ભરતીઓ પૂર્ણ કરવા માટેની માંગ હતી. આ તમામ માંગો સાથે કોબા સ્થિત ભાજપના કાર્યાલય પર કાર્યકરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું.
આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. લાઠીચાર્જમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની પીઠ પર ઇજા થઇ હતી. જ્યારે એક કાર્યકરને તો માથાના ભાગમાં ઇજા પહોંચી હતી. પોલીસે ઇસુદાન ગઢવી સહિત કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ગોપાલ ઇટાલીયાને તરત જ ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
હાલમાં વિરોધ પ્રદર્શન કરતા તમામ કાર્યકરોને ગાંધીનગર સેક્ટર 27 એસપી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા છે. ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા ગોપાલ ઇટાલીયા અને તેના કાર્યકરો પર ભાજપના ગુંડાઓ અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતે પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જમાં ગોપાલ ઇટાલીયા સહિત અનેક કાર્યકરોને ઇજા પહોંચી છે. આપના કાર્યકરોની અટકાયત બાદ પોલીસ વાહનમાંથી કેટલીક તસવીરો સામે આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોના માથા પર ઇજા પહોંચી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને માર માર્યાના સમાચાર સામે આવ્યા છે.