મોટી દુર્ઘટના : અહીં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 52 લોકોના થયા મોત, 30થી વધુ લોકો ઘાયલ…

બાંગ્લાદેશની ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોએ આગથી બચવા માટે ઉપરના માળેથી છલાંગ લગાવીને નીચે કૂદી ગયા હતા. પરંતુ આગ ભીષણ હોવાને કારણે 52 લોકોના મોત થયા છે.

આ ઘટના બાંગ્લાદેશના ઢાકા માંથી સામે આવી છે. ઢાકાની બહાર એક ઔદ્યોગિક શહેર રૂપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે રેસ્ક્યુ ટીમને તેના પર કાબુ મેળવવામાં સમય લાગ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા ઘણા બધા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આગ એટલી ભીષણ હતી કે હજુ પણ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયેલા હતા.

અહીંના લોકોનું કહેવું છે કે, ફેક્ટરીની અંદર કેટલા લોકો ફસાયેલા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ બહાર પરેશાન જોવા મળી રહેલા સંબંધીઓ અને કારખાનાના મજૂરોનું કહેવું છે કે, તેઓને ડર લાગી રહ્યો છે કે, અંદર ફસાયેલા લોકોનું બચવું મુશ્કેલ લાગી રહ્યું છે.

પોલીસનું કહેવું છે કે, છ માળની આ ફેક્ટરીમાં ઉપરના માળે ખૂબ જ ઝડપથી આગ ફેલાઇ ગઇ હતી. જેને કારણે લોકોનું રેસ્ક્યુ છત પરથી પણ કરવામાં આવ્યું હતું. છત પરથી કૂદનાર લોકોની સંખ્યા 30થી પણ વધારે છે. તેમનું કહેવું છે કે, હજુ પણ ઘણા કર્મચારીઓ ગુમ છે. તો કેટલાક લોકો દાઝેલી હાલતમાં મળ્યા છે. 25થી પણ વધુ લોકોને છત પરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

અહીંના કર્મચારીઓનું કહેવું છે કે, આગ લાગવાના સમયે અહીં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત હતા. જમીન પર આગ લગતા ધુમાડો છવાઇ ગયો હતો. તેનાથી ડરીને અમુક કર્મચારીઓ ધાબા પર ભાગી ગયા હતા.

તેઓનું કહેવું છે કે, ત્રીજા માળ પર બંને સીડીઓના ગેટ બંધ હતા. અંદર 48 લોકો હતા. મને નથી ખબર કે તેનું શું થયું હશે. ફાયર વિભાગના અધિકારીનું કહેવું છે કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ અંદર શોધખોળ અને રાહત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *