બિગ બ્રેકીંગ : રાજ્યમાં આ તારીખથી ધોરણ-12ની શાળાઓ, કોલેજો અને પોલિટેકનિક શરૂ કરી શકાશે…
કોરોના વાઇરસને કારણે શિક્ષણ જગત છેલ્લા બે વર્ષથી બંધ પડ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે. વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન અભ્યાસ કરીને થાકી ગયા છે. વળી અમુક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોનની સુવિધા ન હોવાને કારણે તે શિક્ષણ મેળવી શકતા નથી. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં પ્રવર્તમાન સ્થિતિ અંગે પુનઃ સમીક્ષા કરી સ્કૂલો, કોલેજો અને પોલિટેકનિક સંસ્થાઓ ખોલવાને લઈ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15 જુલાઈ 2021 ગુરુવારથી ધોરણ 12ના વર્ગો, કોલેજો અને પોલિટેકનિક સંસ્થાઓ 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિથી શરૂ કરી શકાશે.
ઓફલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. ધોરણ 12 ના પાંચ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ 15 જુલાઈ 2021થી શરૂ થશે. કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેર આવતા માર્ચમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. પહેલા તો રાજ્યના મહાનગરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ભાવનગરમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. જે અંગેનો નિર્ણય 29 માર્ચ 2021ના રોજ કરવામાં આવ્યો હતો.
કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જેવા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાવાયરસને કારણે 16 માર્ચ 2020ના રોજ સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી થી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6 થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર આવતા 18 માર્ચના રોજ ફરી એક વખત સ્કુલ-કોલેજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોરોના કાળ દરમિયાન ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને માર્ચ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે માર્ચ પ્રમોશન અપાયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી. 1 થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને તો પહેલેથી જ માર્ચ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેર બેકાબૂ બનતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માર્ચ પ્રમોશન આપવામાં આવ્યું હતું.