કોરોનાના કેસો વધતા ગુજરાતીઓનું ટેન્શન વધ્યું, જાણી લેજો આ વાત નહીં તો પસ્તાવાનો વારો આવશે…
સમગ્ર ભારતમાં કોરોનાએ પહેલી લહેર અને બીજી લહેરમાં હાહાકાર મચાવ્યો હતો. આશરે સાતથી આઠ મહિના પહેલા ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવી હતી. આ લહેરમાં ઓક્સિજનની કમી પણ સર્જાઇ હતી. બીજી લહેર બાદ ધીમે ધીમે કરફ્યુમાં અને માસ્કમાં રાહત આપવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહેલા તહેવારોને કારણે લોકો એકઠા થઇ રહ્યા હતા. દિવાળીનું વેકેશન હવે પૂરું થતાં અલગ-અલગ જગ્યાએથી લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આવામાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના લોકો માટે આ ચિંતાજનક સમાચાર છે.
ગુજરાતમાં 40 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ લેવાના બાકી છે. આ 40 લાખ લોકો ગુજરાતને ત્રીજી લહેરનું આમંત્રણ આપી શકે છે. આ લોકો સામે ત્રીજી લહેરનો ખતરો છે. રાજ્યમાં કુલ 7.41 કરોડ રસીકરણ થયું છે. તેમાં પ્રથમ ડોઝ 4.50 કરોડ અને બીજો ડોઝ 2.90 કરોડ લોકોને અપાઇ ગયા છે.
રાજ્યમાં કુલ વસ્તી 4.93 કરોડ છે એટલે કે 43 લાખ લોકો હજુ રસીકરણ વિના ફરે છે. આ ઉપરાંત છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું રસીકરણ સરેરાશ 20 હજાર થાય છે. જો આ રીતે રસીકરણ થશે તો સંપુર્ણ રસીકરણ એટલે કે 100 ટકા રસીકરણ માટે હજી બે-ત્રણ મહિના પસાર કરવા પડશે.
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓમાં અને 16000 થી વધારે ગામોમાં પ્રથમ રસીકરણ 100 ટકા થઇ ગયું છે. મોટા રાજ્યમાં રસીકરણમાં ગુજરાત સૌથી આગળ છે. હાલમાં એક પણ ડોઝ ન લેનાર વ્યક્તિઓને ગુજરાત સરકાર વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યું છે. જેટલી ઝડપથી વેક્સિનેશન પૂર્ણ થશે તેટલો જ ત્રીજી લહેરનો ખતરો ઓછો થશે.
રાજ્યમાં 4.04 કરોડ પુરૂષોએ અને 3.36 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. છેલ્લા કેટલાક સમયનું રસીકરણ જોઇએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે રસીકરણ જોવા મળી રહ્યું છે. બીજી લહેરમાં થયેલા મોતના આંકડા સામે આવતા લોકો હચમચી ગયા હતા. જે લોકો રસી નહિ લે તેવા લોકોને પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.