ગુજરાતમાં થઈ ચોમાસાની એન્ટ્રી, આગામી 5 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે વરસાદ…

વરસાદના આગમનની અસર નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જેમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહ્લાદક માહોલ સર્જાયો હતો. સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓેમાં ખુશીની લહેર પ્રસરી હતી. વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે.

રાજ્યમાં બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઇ રહી છે. જોકે, આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી પાંચ દિવસના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત માટે આવનારા ચાર દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો એકાએક પલટો આવ્યો છે. કપરાડા તાલુકામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને સુથાળપાડા વડોલી,રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે10 જૂને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ આ ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે.પાંચમા દિવસ માટે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર રિઝનના જે વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *