અહીં તાજીયા કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં પોલીસકર્મીને ઈજા થઈ, વાહનો તોડીફોડી નાખ્યા…

ગુરુવારના રોજ દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો નિર્ણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા.

આ દરમિયાન મામલો ગરમાયો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી.

પોલીસ અને લોકો વચ્ચે મામલો એટલો ગરમાયો હતો કે, ટોળાએ પોલીસની ગાડીઓને કચ્ચરઘાણ વાળી દીધો હતો. લોકોના પથ્થરમારામાં અન્ય વાહનોમાં પણ તોડફોડ થઈ હતી.

પોલીસની ગાડી તોડીફોડી નાખી.

તાજીયા કાઢવાને મામલે થયેલા ઘર્ષણ બાદ આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. પથ્થરમારો થયા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ત્રણ જેટલા ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. અંતે પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.

આ મામલે હવે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, સલાયામાં તાજીયા કાઢવામાં આવી રહ્યાની માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી હતી. પોલીસે લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો ગરમાયો હતો અને ઘર્ષણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *