કમોસમી વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, કહ્યું કે…

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં આવતીકાલે પણ કમોસમી વરસાદ પડશે. આવતીકાલ સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે. જ્યારે બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન ઘટશે. ૩ ડિસેમ્બર બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ ગયો નથી. તેમના જણાવ્યા મુજબ ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે. શિયાળા વચ્ચે સોમાચાનો માહોલ યથાવત રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 19 થી 21 અને 28 થી 30 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે.

આંબાલાલ પટેલ વધુમાં કહ્યું કે, રાજ્યમાં 4 ડિસેમ્બર બાદ ઠંડીનો માહોલ જોવા મળશે. તમને જણાવી દઇએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો ગઇકાલે રાત્રે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દીવ, જાફરાબાદ અને ઉના સહિતના દરિયાકાંઠા પર ભારે પવન ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગઇકાલે રાત્રે ગીર-સોમનાથના નવા બંદરે ભારે પવન ફૂંકાતા 30 બોટને નુકસાન થયું છે. દરિયામાં ભારે કરંટના કારણે 15 જેટલી બોટ તણાઇ ગઇ જ્યારે 10 જેટલી બોટ ડૂબી ગઇ હતી. તો તેની સાથે 10 માછીમાર ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાંથી 3ને બચાવી લેવાયા જ્યારે બાકીના ગૂમ ખલાસીઓની શોધખોળ શરૂ કરી દેવાઇ છે.

મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની ભીતિ છે. કમોસમી વરસાદ થતા રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *