ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને મોટો ખુલાસો, સંસદમાં કેન્દ્ર સરકારે કહ્યું કે…
સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોક ડાઉન થવાને કારણે ઘણા બધા લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. જ્યારે ઉદ્યોગ-ધંધા પણ પડી ભાંગ્યા છે. જેને કારણે દેશ અને દુનિયા પીડાઈ રહી છે. કોરોના કાળ દરમિયાન સૌથી વધારે ગરીબ અને મધ્યમવર્ગનું નુકસાન થયું છે.
કોરોના કાળમાં ધંધા-ઉદ્યોગની સાથે ખેતી ક્ષેત્રને પણ મોટો ફટકો પડયો છે. આવા સમયે ખેડૂતોને દેવા માફીને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. હાલ ગુજરાતના ખેડૂતોના માથે 90 હજાર કરોડથી પણ વધારે રકમનું દેવું છે. જે એક મોટી રકમ કહી શકાય.
કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે, હાલ ખેડૂતોના દેવા માફી અંગે કોઇ યોજના નથી. ગુજરાતના 43 લાખ ખેડૂતોના માથે 90 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે હાલ ગુજરાતમાં અનેક યોજનાઓ ચાલી રહી છે. પીએમ મોદી પણ ખેડૂતોની આવક વધારવાના મુદ્દે ચર્ચા કરી ચુક્યા છે.
ખેડૂતોના દેવા અંગે વાત કરીએ તો ગુજરાત ઉપરાંત તમિલનાડુના ખેડૂતો પર 189623.56 કરોડનું દેવું, આંધ્રપ્રદેશના ખેડૂતો પર 169322.96 કરોડનું દેવું, ઉત્તરપ્રદેશના ખેડૂતો પર 155743.87 કરોડનું દેવું, મહારાષ્ટ્રના ખેડૂતો પર 153658.32 કરોડનું દેવું અને કર્ણાટકના ખેડૂતો પર 143365.63 કરોડનું દેવું છે.
કેન્દ્ર સરકારને સંસદમાં પૂછવામાં આવ્યું કે, શું ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે સરકાર કોઈ યોજના બનાવી રહી છે? ત્યારે તેના પર લેખિતમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દેવામાફીને લઈને હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી.
ગુજરાતના ખેડૂતોના માથે 90 હજાર કરોડનું દેવું છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. એક તરફ કોરોના મહામારીને કારણે સરકાર મોંઘવારીમાં ધેરાઈ છે. ત્યારે વિપક્ષ આ મુદ્દાને લઇને હુમલો કરે તેવી શક્યતા છે.