‘હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે’ સરકારી અધિકારીનો સૌથી મોટો ધડાકો

રાજકોટમાં થયેલાં અગ્નિકાંડની આગ બાદ ફાયર વિભાગમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યાં હોય એવી સ્થિતિ છે. કારણકે, હાલ આ વિભાગમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના કોઈ પણ ખૂણેથી કોઈપણ ફાયરનો અધિકારી રાજકોટ આવીને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કેમ કોઈ તૈયાર નથી? આ મામલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ઈન્ચાર્જ CFO નો મોટો ધડાકો. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આગની ઘટનામાં નાના ભૂલકાઓ સહિત 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગમાં અધિકારીઓ પર તવાઈ બોલાઈ હતી. જેને પગલે આ શહેરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે કામગીરી કરવા માટે કોઈ તૈયાર નથી એ વાતનો પણ ખુલાસો થયો છે.

સ્ટેશન ફાયર ઓફિસરમાંથી જેમને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઈ હતી તે અમિત દવેએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. અગાઉ પણ તેમણે પોતાની જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી. જોકે, તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા આખરે તેમણે આજે મ્યુનિસિપલ કમિશ્નરને રાજીનામું ધરી દીધું છે.

રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળી રહેલાં અમિત દવેએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમિત દવેએ જણાવ્યું હતુંકે, રાજકોટમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની 30 ટકાથી પણ વધારે ઘટ છે. રાજકોટ ફાયર વિભાગ પાસે સેફ્ટીના પુરતા સાધનો પણ નથી. વ્યવસ્થાપનનો અભાવ છે. બધા સ્ટ્રેસમાં કામ કરે છે. મારી હેલ્થ સારી નથી રહેતી. બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટોલ આવી ગયા છે. ઘરની જવાબદારી પણ વધી ગઈ છે. સ્ટ્રેસ સતત રહે છે. બીજું કોઈ કારણ નથી રાજીનામું આપવાનું. મારા પર કોઈનું દબાણ નથી. પણ મારે સારું જીવન જીવવું છે એટલે મેં રાજીનામું આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *