રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ સહારા જમીન પ્રકરણ વિવાદ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરેલ બદનક્ષીનો દાવો પરત ખેંચ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખરામ રાઠવા, સી. જે. ચાવડા અને શૈલેષ પરમાર સામે દાવો કર્યો હતો. પરંતુ ત્રણેય નેતાઓ દ્વારા માફી માગી લેતા સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે કરોડોનાં કૌભાંડ જમીન પર થયા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કર્યા હતા. જેમાં તેઓએ કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, સી.જે.ચાવડા અને શૈલેષ પરમાર સામેનો માનહાનિનો કેસ પરત લીધો હતો. જોકે વર્ષ 2022માં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ દાવો કર્યો હતો, ત્યારે આ કેસને લઇ વિજય રૂપાણીના આ નિર્ણયથી અનેક રાજકીય વર્તૂળમાં અનેક પ્રકારની ચર્ચા જોવા મળી છે. બદનક્ષીનો કેસ પાછો ખેંચતા રાજકારણ ગરમાયું હતું. સી.જે. ચાવડાના ભાજપમાં જોડાવા બાદ ત્રણેય નેતાઓએ માફી માગતાં સમગ્ર બદનક્ષીનો દાવો પૂર્વ મુખ્યમંત્રી દ્વારા રદ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. રૂપાણીએ જણાવ્યું છે કે કોઈ સમાધાન થયું નથી. દોઢેક વર્ષ પૂર્વે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોંફરન્સ કરી મારા પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસના મિત્રો પાસે પુરાવાઓ ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી છે. મેં પણ માફ કરી કેસ પરત ખેંચ્યો છે. ભાજપમાં આવી ગયા એટલે મેં કેસ ખેંચ્યો એવું નથી. કોર્ટમાં હાજર રહી માફી માંગી છે એટલે મેં પરત ખેંચ્યો છે. સત્યનો વિજય થયો છે. રાજકીય રીતે અમે આક્ષેપો કર્યા છે તેવું એફિડેવિટમાં પણ લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, સી.જે.ચાવડા અને શૈલેષ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કરોડોનું જમીન કૌભાંડ આચર્યાના આરોપ લગાવ્યા હતા. 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકારોને બોલાવી આ આરોપ લગાવ્યા હતા. બીજી બાજુ બન્ને કોંગ્રેસ નેતાઓએ કરેલા આરોપ મુદ્દે માફી માગી લેતાં રૂપાણીએ કેસ પાછો ખેંચ્યો છે. મહત્વનું છે કે માર્ચ 2022માં વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં ત્રણ નેતાઓ સામે દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *